Friday, July 9, 2010

વેઇટરમાંથી બન્યા હોટેલિયર સુરિન્દર અરોરા

વેઇટરમાંથી બન્યા હોટેલિયર સુરિન્દર અરોરા

Prakash Biyani, Strategy and Success
 
બ્રિટનમાં વસતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ સુરિન્દર અરોરાએ નવો વ્યવસાય શોધ્યો અને તેઓ ઈંગ્લેન્ડના એવિએશન ઉદ્યોગના સૌથી મોટા હોટેલિયર બન્યા. ‘સન્ડે ટાઈમ્સે’ બ્રિટનમાં વસતા ૪૦૦ ટોપ એશિયન કુબેરોની યાદીમાં તેમનો સમાવેશ કર્યો.

strategysuccess_288નાથન નામના એક દરિયાઈ પક્ષીએ પરંપરાગત માન્યતાઓનું કોચલું તોડીને પોતાના ઝૂંડમાંનાં પક્ષીઓ કરતાં આકાશમાં વધુ ને વધુ ઊંચે ઊડવાનો નિર્ણય કર્યો. ત્યારે ઝૂંડના સભ્યોએ ટકોર કરતાં કહ્યું, ‘વધું ઊંચે ઊડવાના ઊધામા ન કર. આટલી ઊંચાઈએ હજુ સુધી કોઈ પહોંચ્યું નથી.’ જોનાથને આ શિખામણ સામે આંખ આડા કાન કરીને મુશ્કેલીઓ સામે બાથ ભીડી. લક્ષ્ય સુધી પહોંચવા માટે તે ઊંચે ને ઊંચે ને ઊડતું ગયું. ત્યાં તેની મુલાકાત ચિયાંગ સાથે થઈ. તેણે જોનાથનની હિંમત વધારી અને પ્રોત્સાહન આપ્યું. જોનાથને ધ્યેયપ્રાપ્તિની ધગશ અને દ્રઢ સંકલ્પ થકી મુશ્કેલીઓ પાર પાડીને સફળતા મેળવી. એકદિવસ જોનાથન જ્યાં ક્યારેય કોઈ દરિયાઈ પક્ષી નહોતું પહોંચ્યું ત્યાં પહોંચી ગયું.

ભારતીય ઉદ્યોગ જગતમાં ‘રિટેલના રાજા’ ગણાતા કિશોર બિયાણીને ઉપર વર્ણવેલી ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ’ લઘુકથા ખૂબ ગમે છે. આ વાર્તાનો ટૂંકસાર છે કે સૌથી અલગ વિચારો, ઊંચું વિચારો અને વિચારોને અમલમાં મૂકવાનું જોખમ ખેડો. અડચણોથી ગભરાઈ ન જાવ અને આગળ વધો તો સફળતા મળશે.

બ્રિટનમાં વસતા મૂળ ભારતીય ઉદ્યોગપતિ સુરિન્દર અરોરાએ નવો વ્યવસાય શોધ્યો અને તેઓ ઈંગ્લેન્ડના એવિએશન ઉદ્યોગના સૌથી મોટા હોટેલિયર બન્યા. સન્ડે ટાઈમ્સે બ્રિટનમાં વસતા ૪૦૦ ટોપ એશિયન કુબેરોની યાદી બનાવી. તેમાં ૨૨.૪૦ કરોડ પાઉન્ડની સંપત્તિ ધરાવતા ૫૨ વર્ષીય સુરિન્દર અરોરાનો સમાવેશ થયો. નવાઈની વાત તો એ છે કે ૧૩ વર્ષની વયે હિથ્રો એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે સુરિન્દર અંગ્રેજી બોલી શકતા નહોતા. તેમનાં બે માતા-પિતા છે. આ અંગે તેઓ કહે છે, ‘ઈંગ્લેન્ડમાં વસતા જન્મ આપનારા મારા માતા-પિતાએ મને નિ:સંતાન માસા-માસીને દત્તક આપી દીધો. હું ૧૩ વર્ષ સુધી દત્તક માતા-પિતા પાસે પંજાબમાં રહ્યો. પછી તેમણે ૧૯૯૧માં જન્મ આપનારા માતા-પિતા પાસે મને ઈંગ્લેન્ડ પાછો મોકલી દીધો.’

સુરિન્દરને જન્મ આપનારાં માતા (જેમને તેઓ આન્ટી કહે છે) ઈંગ્લેન્ડમાં સારી રીતે ઘર ચલાવવા માટે ત્યારે ત્રણ જગ્યાએ પાર્ટટાઈમ જોબ કરતા હતાં. સુરિન્દરભાઇ લંડનમાં શાળાકીય અભ્યાસ કરતા હતા ત્યારે જ માતાએ પુત્રને કમાણીના કરવાના પાઠ ભણાવ્યા. સુરિન્દરભાઇએ બ્રિટિશ એરવેઝ ઉપરાંત વીમા કંપનીમાં એબ્બે લાઈફમાં નોકરી કરી. તેમણે હોટલમાં પાર્ટટાઈમ વેઇટરની જોબ પણ કરી. તેઓ જે હોટલમાં વેઇટર હતા એ જ હોટલના આજે તેઓ માલિક બની ગયા છે. એક ઈન્ટરવ્યૂમાં સુરિન્દરભાઇ કહે છે કે તેમને ઊંચે આકાશે ઊડવાની ઈચ્છા હતી એટલે પાઇલટનું લાયસન્સ મેળવવા માટે બ્રિટિશ એરવેઝ ટ્રેનિંગ સ્કૂલ જોઈન કરી.

પાઇલટ લાયસન્સ માટે જરૂરી ઉડ્ડયન કલાક પૂરા કર્યા પણ લાયસન્સ મળે તે પહેલાં જ ટ્રેનિંગ સ્કૂલને તાળાં લાગી ગયા. પછી તેઓ વીમા કંપનીમાં સામાન્ય સેલ્સમેનમાંથી બ્રાન્ચ મેનેજરના હોદ્દા સુધી પહોંચ્યા. નોકરીથી તેમને સંતોષ થતો નહોતો. તેઓ સ્વતંત્ર રીતે કયો વ્યવસાય કરી શકાય તેની ભાળ મેળવી રહ્યા હતા. કુટુંબની ભેગી કરેલી મૂડીમાંથી સ્થાવર મિલકતનું ખરીદ-વેચાણ કરવા લાગ્યા. આ પાર્ટટાઈમ વ્યવસાયમાં તેમને બ્રેક મળ્યો.

તેમણે જુદા જુદા ૯ મકાનમાલિકો પાસેથી હિથ્રો નજીક બિસ્માર મકાનોની એક રા‹ ખરીદી. સુરિન્દરભાઇ કહે છે, ‘બ્રિટિશ એરવેઝમાં નોકરી કરતા મને જાણવા મળ્યું કે કંપની પોતાના ક્રૂ-સ્ટાફ માટે સસ્તા ટેમ્પરરી (એક-બે રાત્રિના રોકાણ) માટેનાં મકાન શોધે છે.’ ત્યારે સુરિન્દર અરોરાએ ‘બેડ-બ્રેકફાસ્ટ’ની સુવિધાયુકત હવાઈ કર્મચારીઓને રાત્રિ રોકાણની સસ્તી અને સ્વચ્છ રહેણાંક સુવિધા પૂરી પાડવાનું નક્કી કર્યું. સુરિન્દરભાઇ અને પત્ની સુનિતાબહેને તનતોડ મહેનત કરી અને બિસ્માર મકાનોને ૩૦ બેડરૂમની હિથ્રો લોજમાં બદલી નાખ્યા. બિઝનેસનો આ આઇડિયા સફળ નીવડ્યો. બ્રિટિશ એરવેઝને આ સુવિધા કોઠે પડી ગઈ. તેણે સુરિન્દર અરોરા સાથે કરાર કર્યો. જોતજોતામાં હિથ્રો લોજની આગવી ઓળખ ઊભી થઈ. આમ હિથ્રો લોજ એર ક્રૂ સ્ટાફ માટે સૌથી સસ્તી અલ્પાવધિ પ્રવાસ રોકાણ સુવિધાનું ઉત્તમ ઠેકાણું બની ગઈ.

હિથ્રો લોજમાંથી સુરિન્દરે કમાણી કરી પછી ૧૯૯૯માં તેમણે ૩૨૫ રૂમવાળી અરોરા ઇન્ટરનેશનલ હિથ્રો હોટલ સ્થાપી અને બ્રિટિશ એરવેઝ સાથે પાંચ વર્ષનો કરાર કર્યો. ૨૦૦૧માં બ્રિટિશ એરવેઝ ઉપરાંત વર્જિન એટલાન્ટિક ક્રૂ સ્ટાફ માટે તેમણે ૧૧૯ રૂમની અરોરા ઈન્ટરનેશનલ ગેટવિક શરૂ કરી. આના માટે સુરિન્દર અરોરાએ બ્રિટિશ એરવેઝ ઉપરાંત અમેરિકન એરલાઈન્સ સાથે કરાર કર્યો. પછી એરવેઝ ઉપરાંત કોર્પોરેટ કલાયન્ટ્સ પણ પોતાના સ્ટાફના ટૂંકા ગાળાના પ્રવાસ રોકાણ માટે અરોરાનો સંપર્ક કરવા લાગ્યા.

નવા ગ્રાહક જુથની માગને પહોંચી વળવા માટે સુરિન્દરભાઇએ ૨૦૦૪માં ‘બેચલર બા‹ય’ અને ‘સમર હોલિડે’ આલ્બમ્સ માટે જાણીતા સર ક્લિફ રિચર્ડની ભાગીદારીમાં માન્ચેસ્ટરમાં ૧૪૧ રૂમની હોટલ ખરીદી. તેનું નામ ‘અરોરા ઇન્ટરનેશનલ માન્ચેસ્ટર’ રાખ્યું. સુરિન્દર અરોરા કહે છે, ‘સર ક્લિફ રિચર્ડ મારા ફકત ભાગીદાર જ નથી પણ અંગત મિત્ર પણ છે. તેઓ મારા માટે બહુ શુકનિયાળ નીવડ્યા છે. ૧૯૯૯માં અમારી પહેલી મુલાકાત હિથ્રોમાં થઈ હતી. ત્યાર પછી મારા દરેક વેન્ચરની રિબિન તેમણે જ કાપી.’

પેલી વાર્તામાં જેમ જોનાથનને ચિયાંગ મળે છે તેમ સુરિન્દરભાઈને સર ક્લિફ રિચર્ડ જેવા મિત્ર મળે છે. ૨૦૦૬માં અરોરાએ મોટો સોદો પાડ્યો. બીએએ લિંટાન એરપોર્ટ હોટલ્સ યુનિટ ટ્રસ્ટ પાસેથી ૩૯ કરોડ પાઉન્ડમાં સુરિન્દરે એરપોર્ટ સ્થિત ૯ હોટલ્સ ખરીદી. હાલમાં સુરિન્દર અને સુનિતા અરોરા બ્રિટનમાં સૌથી મોટી હોટલ શ્રૃંખલાના માલિક છે. તેમની ૧૬ હોટલ પોતાના ગ્રાહકોને ૬ હજાર બેડરૂમ્સ પૂરા પાડીને વર્ષે સરેરાશ ૬૦ મિલિયન પાઉન્ડનો બિઝનેસ કરે છે. આ હોટલ્સ બ્રિટનના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ ખાતે આવેલી છે. ગેટનિક અને સ્ટેનસ્ટેડ એરપોર્ટ્સની સૌથી મોટી હોટલ અરોરા ઈન્ટરનેશનલ છે. અરોરાની હોટલ શ્રૃખંલાનો સૌથી મોટો વિસ્તાર ૨૦૦૮માં ૬૦૫ બેડરૂમ્સની ૨૦ કરોડ પાઉન્ડની સાફીટેલ લંડન હિથ્રો છે. તે બ્રિટનની સૌથી મોટી લકઝરી એરપોર્ટ હોટલ ગણાય છે.

No comments: